Saturday, February 13, 2010

પ્રખ્યાત સાસણ અને સિંહ દર્શનથી રાષ્ટ્રપતિ ખુશખુશાલ.

રાજકોટ, તા.૪ :

‘મને ગુજરાતના પ્રવાસ દરમિયાન ઘણો આનંદ મળ્યો છે. ગુજરાત જે રીતે વિકાસ કર્યો છે તે જોઈને કોઈપણ પ્રભાવિત બની શકે છે. ખાસ કરીને મને સાસણ ગીરના જંગલમાં ખૂબ મઝા આવી હતી. પ્રકૃતિની નજીક રહેવા સાથે એકસાથે પંદર કરતા વધુ સિંહ જોવા મળ્યા તેથી હું ખૂબ ખુશ છું. આ પ્રવાસ મારા માટે સદા યાદગાર બની રહેશે’ તેમ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે રાજકોટના એરપોર્ટ પર વિદાયમાન વખતે ઉચ્ચાર્યા હતા.

મહામહિમ પ્રતિભા દેવીસિંહ પાટીલને તેમના ગુજરાતના પાંચ દિવસના પ્રવાસના અંતિમ ચરણમાં રાજકોટ વિમાની મથકે રાજય સરકાર દ્વારા ભાવભીનું વિદાયમાન અપાયું હતું. રાષ્ટ્રપતિ આજે બપોરે પર્યટન મથક દીવથી હવાઈ માર્ગે રાજકોટ આવી પહોંચ્યા હતા. રાજકોથી ખાસ વિમાનમાં મહામહિમ દિલ્હી તરફ પ્રસ્થાન કરે તે પૂર્વે હવાઈ મથકે નાણાંમંત્રી વજુભાઈ વાળા, કૃષિમંત્રી દિલીપ સંઘાણી, મત્સ્યોદ્યોગ મંત્રી પરસોતમ સોલંકી, સાંસદ વિજય રૃપાણી, મેયર સંધ્યાબેન વ્યાસ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ અને ભાનુબેન બાબરીયા હાજર રહીને પુષ્પગુચ્છ આપીને વિદાય આપી હતી.

કોંગ્રેસના સાંસદ કુંવરજીભાઈ બાવળીયા ગેરહાજર રહ્યા હતા. હવાઈ મથકે માહિતી કમિશનર ભાગ્યેશ જહા, કલેકટર, મ્યુ.કમિશનર, પોલીસ કમિશનર વગેરેએ રાષ્ટ્રપતિને સ્મૃતિ ભેટ સ્વરૃપે ચિત્ર અર્પણ કર્યું હતું. પૂર્વ નાણાંમંત્રી મનોહરસિંહજી જાડેજા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ રૃપાણીએ કચરો વીણતા બાળકોએ બનાવેલા દીવડા મહામહિમને ભેટ આપ્યા હતા. તેમજ તંત્ર દ્વારા રાજકોટના પેંડા અને જસદણનો પટારો ભેટ અપાયા હતા.

રાષ્ટ્રપતિને રાજકોટમાં મહાત્મા ગાંધીએ શિક્ષણ લીધુ હોવાની અને તે સ્કૂલ હજુ હયાત હોવા સહિતની જાણકારી આપવામાં આવી હતી. ત્યારે તેમના અંગત સહાયકે હવે પછી ભવિષ્યમાં ધોળાવીરા કચ્છનો પ્રવાસ કાર્યક્રમ ગોઠવાય ત્યારે રાજકોટની પણ મુલાકાત પણ ગોઠવવામાં આવશે તેવો સંકેત આપ્યો હતો. પોલીસે ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો. રાષ્ટ્રપતિ રાજકોટમાં માત્ર એરપોર્ટ ટૂંકુ રોકાણ કર્યું હતું અને ર્સિકટ હાઉસ ગયા નહોતા. દસ મિનિટ મહામહિમ વાયુદળના ખાસ વિમાનમાં બેસીને દિલ્હી જવા રવાના થઈ ગયા હતા.
Source: http://sandesh.com/sandesh_article.aspx?newsid=119296

No comments: