Saturday, February 13, 2010

નેચર પાર્કમાં વનરાજ માટે જગ્યા નથી.

Friday, Jan 29th, 2010, 2:36 am [IST]
danik bhaskar
Bhaskar News, Gandhinagar

મોટું પાંજરું બનાવવા સહિતની વ્યવસ્થા માટે રૂ.૫ લાખ ખર્ચવા પડે તેમ છે

ગાંધીનગરના જ-માર્ગ પર આવેલા ઇન્દ્રોડા નેચર પાર્કમાં પ્રાણી સંગ્રહાલય ઊભું કરવાની યોજનાના ભાગરૂપે અહીં દિપડા અને વાઘની જોડી લાવવામાં આવ્યા પછી સિંહ લાવવાની જાહેરાત થઇ હતી. પરંતુ તેના માટે જરૂરી જગ્યા સહિતની વ્યવસ્થા અહીં નથી. તેના માટે મોટું પાંજરૂ બનાવવું જરૂરી છે. સિંહના કેર ટેકર તથા ખોરાક સહિતની વ્યવસ્થા પાછળ પાંચેક લાખનો ખર્ચ કરવો પડે તેમ છે. તેની જોગવાઇ કરવામાં આવી નથી. તેથી નજીકના દિવસોમાં સિંહને લાવવાનું શકય બને તેમ નથી.

નેચર પાર્કમાં આકર્ષણો ઉમેરવાનો સલિસિલો ચાલુ જ રહ્યો છે. જૂનાગઢના સક્કરબાગ ઝૂમાંથી વાઘ-વાઘણની જોડી, સફેદ મોર તથા સફેદ હરણ લવાતા મુલાકાતીઓની સંખ્યા વધતી જાય છે. દીપડો-દીપડી અને વાઘ-વાઘણની જોડી અહીં આવી જતાં માત્ર સિંહની જોડી લાવવામાં આવે તો પૂર્ણ કક્ષા જેવું પ્રાણી સંગ્રહાલય બની શકે તેમ છે. સિંહ લાવવાની વાત થયા પછી તે દિશામાં કોઇ કાર્યવાહી થઇ નથી. જોકે, અધિકારીઓની ઇરછા અહીં સિંહ લાવવાની છે. પરંતુ હકીકત એ છે કે, સિંહ માટે નેચર પાર્કમાં જગ્યા જ નથી.

ભૂતકાળમાં નેચર પાર્કમાં એક આફ્રિકન સિંહ હતો તેના મૃત્યુ પછી ખાલી પડેલા પાંજરામાં વાઘ-વાઘણની જોડીને વસાવવામાં આવી છે. હવે સિંહ માટે નવું પાંજરૂ બનાવવું પડે તેમ છે. આ નવું પાંજરૂ અને અન્ય વ્યવસ્થા ગોઠવતા પાંચેક લાખનો ખર્ચ થાય તેમ છે. હાલમાં ગીર ફાઉન્ડેશન પાસે આટલી જોગવાઇ નથી. જો કયાંકથી આટલી જોગવાઇ થાય તો પણ સિંહની જાળવણી પાછળ ખૂબ ખર્ચ આવી શકે તેમ છે. સિંહની દેખરેખ માટે ખાસ તાલીમ પામેલા માણસો મૂકવા પડે. ઉપરાંત દરરોજ તેને ચાર-પાંચ કિલો માંસ ખાવા જોઇએ તેનો ખર્ચ પણ ખૂબ આવે તેમ છે.

સિંહની ઉંમર જેમ વધે તેમ તેનો ખર્ચ વધતો જતો હોય છે. પૂર્ણ કક્ષાના પ્રાણી સંગ્રહાલયમાં નવા પ્રાણીઓ ઝડપથી લાવી શકાય છે કારણ કે, ત્યાં બધા જ પ્રકારની વ્યવસ્થા ગોઠવાયેલી છે. પ્રાણીઓની દેખભાળ માટે કે, તેના માટે રહેઠાણ માટે નવેસરથી વ્યવસ્થા કરવી પડતી નથી. પ્રકતિ ઉધાનમાં સિંહ લાવવા માટે વન વિભાગ દ્વારા નાણાની ખાસ જોગવાઇ કરવામાં આવે તેવી રજૂઆતો કરી દેવાઇ છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/01/29/100129015902_nature_park_no_space_for_lion.html

No comments: