Tuesday, February 16, 2010

ભવનાથ ડિમોલીશન : નોટિસનો જવાબ નોટિસથી.

Bhaskar News, Junagadh

૫૦ મીટર જમીન રહેણાક માટે ચાલે ઉતારા માટે નહીં : સંચાલકોની સાફ વાત

ભવનાથ તળેટીમાં વર્ષ ૨૦૦૮માં જિલ્લા વહિવટી તંત્રએ મેળા માટેની અનામત એવી ૫૭ એકર જમીન ખુલ્લી કરાવવા ઓપરેશન ડીમોલીશન હાથ ધર્યું હતું. ત્યારબાદ ત્યાંનાં રહેવાસીઓને રૂપાયતન પાસે ૫૦ ચો. મીટરનાં પ્લોટ ફાળવાયા છે. ત્યારે ઊતારા સંચાલકોને વર્તમાન બાંધકામો દૂર કરવા મામલતદારે નોટીસ આપતાં તેના જવાબમાં સંચાલકે તંત્રને સીપીસીની કલમ ૮૦ નીચે દીવાની નોટીસ આપી વિવિધ બાબતો અંગે ખુલાસો માંગ્યો છે.

ભવનાથ ઊતારા, આશ્રમ, અન્નાક્ષેત્ર, મહામંડળનાં કાયદાકીય લડત પંચનાં વડા કાળુભાઈ લખમણભાઈ નાગેશ (રે. દ્વારકા)એ પોતાનાં વકીલ મારફત જિલ્લા વહીવટીતંત્રને પાઠવેલી નોટીસમાં જણાવાયું છે કે, તા.૨૫-૧-૧૦નાં રોજ મામલતદારે ગુજરાત હાઇકોર્ટનાં ચુકાદા મુજબ રૂપાયતન પાસે ૫૦ ચોરસ મીટર જમીન ફાળવી તે સંભાળી લેવા જણાવ્યું છે એ હકીકતે ભવનાથ ક્ષેત્રમાં અનઅધિકૃત રીતે રહેતા લોકો અંગે હાઈકોર્ટની રીટ અંતર્ગત છે.

પરંતુ મેળા વખતે ઊતારાની જે જગ્યાઓ છેક સોરઠ સરકારનાં વખતથી ફાળવાઈ છે તેના માટેની રીટ પીટીશન હતી જ નહીં. ૫૦ ચો.મી. વૈકિલ્પક જમીન ફાળવીને જૂનું દબાણ દૂર કરવાની વાત ફકત રહેણાંકનું દબાણ હતું તેમના માટેની યોજના હતી. કલેક્ટરે તા.૭-૧-૧૦નાં રોજ જે હુકમ કર્યો છે. તે પણ રહેણાંકનાં હેતુ માટેનો છે. પરંતુ એ હુકમ મુજબ જે ફાળવણી થઇ છે તેમાં ઊતારાને પણ લઇ લેવાયા છે.

મામલતદારે હાઈકોર્ટના હુકમ પ્રમાણે પ્લોટની ફાળવણી કર્યા બાદ પણ જે રહેણાંકનાં દબાણો દૂર કર્યા નથી તેને નોટીસ આપી છે. તેમાં વાસ્તવિક રીતે ઉતારાઓની જગ્યાનો સમાવેશ થતો ન હોવા છતાં ઉતારાઓને ૫૦ ચો.મી. જગ્યા આપવાનો હુકમ કરી વર્તમાન બાંધકામો દૂર કરવાની નોટીસ આપી છે. વાસ્તવમાં ઉતારાનો હેતુ ૫૦ ચો.મી. પુરો થઇ શકે નહીં. વહીવટીતંત્રએ હાઇકોર્ટના હુકમનું ખોટું અર્થઘટન કર્યું છે.

ફાળવણીની પુન:ચકાસણી કરો

નોટીસમાં એવી માંગણી કરાઇ છે કે, ૫૦ ચો.મીટરનાં જે પ્લોટો અપાયા છે તે માંગનાર વાસ્તવિક રીતે ઉતારાવાળાનાં પ્રતિનિધિ છે કે, કેમ? તેની ખરાઈ કરવામાં આવે. કારણ કે, ઘણા કિસ્સામાં ઉતારાઓમાં નોકરી કરતાં કર્મચારીએ પ્લોટ મેળવી લીધા છે. આથી ફાળવણીની પુન:ચકાસણી થવી જોઇએ.

કાટમાળ અંગે ફોજદારી

નોટીસમાં તા.૧૧-૧-૨૦૦૮નાં રોજ ડીમોલીશનનો કાટમાળ જે બારોબાર વેચી નાંખ્યો છે તે અંગે ફોજદારી ગુનો નોંધાવનાર હોવાનું પણ જણાવાયું છે.મને કશી જાણ નથી

તા.૧૫ ફેબ્રુ.નાં રોજ અપાયેલી નોટીસ અંગે જિલ્લા કલેક્ટર આશીર્વાદ પરમારે જણાવ્યું હતું કે, હજુ સુધી તો નોટીસ મારા ઘ્યાને આવી નથી.

તંત્રને કરેલા સવાલો

૧.જે ૧૮૭ લોકોને પ્લોટ ફાળવાયા છે તે રહેણાંકનાં હેતુ માટે છે કે ઉતારા માટે પણ ફાળવાયા છે ?

૨.હાઇકોર્ટની પીટીશન ફકત રહેણાંકનાં લોકોની હતી ઉતારા માટેની નહીં તેની તંત્રને જાણ છે ?

૩.૫૭ એકર જમીનમાં રહેતા લોકો અને મેળામાં ઉતારા માટે જે જગ્યા અપાય છે તે અલગ હોવાનું તંત્ર માને છે કે કેમ ?

૪.ભવનાથમાં સરકારી ચોપડે ૧૩૫ ઉતારા છે. હાલ ફાળવેલા ૫૦ ચો.મી. પ્લોટોનાં ૨૫ ઉતારાઓની જગ્યા છે. જે રહેણાંકનાં હેતુ માટે આપી શકાય નહીં. તો બાકીનાં ઉતારાને તંત્ર યથાવત રાખવા માંગે છે કે તેને પણ તોડવા માંગે છે ?

૫.ઉતારાની જગ્યા નિયત છે ત્યારે તેને હટાવીને તંત્ર એટલી જ જમીન અન્યત્ર આપશે ?

૬.ડીમોલીશનની નોટીસોમાં બધા જ ઉતારાઓને અપાઇ છે ? જો ન અપાઈ હોય તો તેના બાંધકામો સરકાર તોડવા માંગે છે કે કેમ ?
Source: http://www.divyabhaskar.co.in/2010/02/16/100216013658_bhavnath_demolistion_notice_answer.html

No comments: