Saturday, February 13, 2010

શિકાર શોધમાં નીકળેલો દીપડો રૂમમાં પૂરાઈ ગયો.

Tuesday, Feb 9th, 2010, 3:59 am [IST]
Bhaskar News, Amreli

lepordખાંભા તાલુકાના ભાડ ગામમાં રવિવારે રાત્રે શિકારમાં નીકળેલો દીપડો એક ખેડૂતના ઘરમાં ઘૂસી જતાં આ પરિવાર ભયનો માર્યો ફફડી ઊઠ્યો હતો પરંતુ સદ્દનસીબે દીપડો એક રૂમમાં પૂરાઈ જતાં પરિવારે દરવાજો બંધ કરી દીધો હતો અને બાદમાં જંગલ ખાતાની ટીમે દોડી આવી દીપડાને બેહોશ કરી તેનો કબજો સંભાળ્યો હતો.

ચાલાક દિમાગ અને પીઠ પાછળ હુમલો કરવાની શૈતાની વૃત્તિ ધરાવતા દીપડાનો ત્રાસ અમરેલી જિલ્લામાં ઠેરઠેર જોવા મળી રહ્યો છે. હકીકત એ છે કે, દીપડાની વસતિ ખાસ્સી વધી છે જેથી તેની રંજાડ પણ વધી છે. ગઈકાલે ખાંભા તાલુકાના ભાડ ગામમાં દીપડાએ ભય ફેલાવી દીધો હતો.

ભાડ ગામના વાલજીભાઈ કેશુભાઈ અકબરની રહેણાક મકાનમાં દીપડો શિકારની શોધમાં ઘસી આવ્યો હતો. રાત્રિના દસેક વાગ્યે આ ઘટના બની હતી. દેકારો થતાં દીપડો એક રૂમમાં ઘુસી ગયો હતો.
ખેડૂત પરિવારે ડર વચ્ચે પણ હિંમત બતાવી રૂમનો દરવાજો બહારથી બંધ કરી દીધો અને જંગલ ખાતાને આ અંગે જાણ કરવામાં આવી. તુલશીશ્યામ રેન્જના આરએફઓ સી.પી. રાણપરિયા અહીં સ્ટાફ સાથે દોડી આવ્યા હતા.

દીપડો ઘરમાં પૂરાયાની જાણ થતાં ગામ આખું એકઠું થઈ ગયું હતું. સીધી રીતે દીપડાને પકડી શકાય તેમ ન હોય વેટરનરી ડોકટરની મદદ લેવામાં આવી હતી. દીપડાને બેહોશીનું ઈન્જેકશન આપી દીપડાને પકડી લેવામાં આવ્યો હતો. આ દીપડાની મેડિકલ તપાસણી બાદ ગીરના મઘ્ય જંગલમાં મુક્ત કરી દેવામાં આવશે.
Source: http://www.divyabhaskar.co.in/2010/02/09/100209035917_lepord_arrest_in_house.html

No comments: