Saturday, February 13, 2010

પોરબંદરના બરડા અભયારણ્યમાં પ્રાયોગિક ધોરણે ચાર સિંહ લવાશે

Jitesh Chauhan, Porbandar
Friday, May 23, 2008 23:15 [IST]

વનરાજના રહેઠાણની વ્યવસ્થાને આખરી ઓપ: ચાર મહિના પછી સિંહની ડણક સંભળાશે

ગીરમાં વસવાટ કરતા ડાલમથ્થા સિંહના હત્યાકાંડ બાદ તેના સ્થળાંતર અંગેની કવાયત શરૂ થઇ હતી. તેમાં બરડા અભયારણ્યમાં સિંહને લાવવાના ચક્રો ગતિમાન થયા છે. હાલ પ્રાયોગિક ધોરણે ચાર સિંહોને લાવવામાં આવશે અને તેના રહેઠાણ બનાવવા ઉપરાંત તેને અનુકૂળ વાતાવરણ ઊભું કરવા વનવિભાગ દ્વારા કામગીરી આરંભી દેવામાં આવી છે. ચાર મહિના બાદ સિંહની ડણકથી બરડો ગાજી ઉઠશે તેમ જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું.

પોરબંદર જિલ્લાની ગોદમાં આવેલા બરડા ડુંગરનો વિશાળ વિસ્તાર આવેલો છે તે ત્રણ વિભાગમાં વહેંચાયેલો છે. જેમાં પોરબંદર, ભાણવડ અને જામજોધપુર આ બરડા અભયારણ્યમાં ભૂતકાળમાં સિંહ વસવાટ કરતા હોવાનું કહેવાય છે.

આમ તો બરડામાં સિંહોને લાવવાની માગણી ઘણા સમયથી હતી. પરંતુ ગીરમાં સિંહોના હત્યાકાંડ બાદ સિંહના અલગ અલગ જગ્યાએ સ્થળાંતર કરવાનું સરકાર વિચારી રહી હતી. જેમાં બરડા ડુંગરમાં સિંહને ખસેડવા અંગે ઘણા સમયથી પ્રક્રિયા ચાલી રહી હતી. તેના ભાગરૂપે બરડા ડુંગરના સાતવિરડા નેશથી એક કિ.મી. દૂર સિંહના વસવાટ અંગેનું રહેઠાણ બનાવવામાં આવી રહ્યું છે.

આ અંગે જાણકાર સૂત્રોના જણાવ્યા અનુસાર સિંહને અનુકૂળ વાતાવરણ માટે વૃક્ષો વાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ત્રણથી ચાર ફૂટની દીવાલ બનાવી તેની ચારે બાજુ ફેન્સિંગનું કામ પૂણર્તાના આરે છે. આ વિસ્તારમાં સિંહ આરામથી ફરી શકશે.

ચાર માસ બાદ પ્રાયોગિક ધોરણે ચાર સિંહોને અહીં લાવવામાં આવશે. પછી અનુકૂળ આવશે તો દસ સિંહોને અહીં લાવવામાં આવશે તેમ આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.બરડા વિસ્તાર વિશાળ હોય અહીં પીવાના પાણીના સ્ત્રોત ઉપરાંત અન્ય પશુ પંખીઓ અને વૃક્ષો પણ ગીરને અનુલક્ષીને હોવાથી વનરાજને બરડો માફક આવી જશે અને તેની ગર્જનાથી ગાજી ઉઠશે તેવું પર્યાવરણપ્રેમીઓ કહી રહ્યા છે.
Source: http://www.divyabhaskar.co.in/2008/05/23/0805232317_lion_sencutary.html

1 comment:

WildLife In Gujarat said...

Bahu rah joi ho sinh ni bardama