Saturday, February 13, 2010

ગીર બહાર અપાયેલો ‘અંબર’ ૧૫૧મો સિંહ.

Devashi Barad, Ahmedabad
Thursday, January 01, 2009 01:28 [IST]

અમદાવાદના કાંકરિયા ઝૂમાં સિંહની જોડી ‘અંબર’ અને ‘જાનકી’ આવી ગઈ છે. આ સાથે સિંહની કુલ સંખ્યા ચાર થઈ છે. તેમાંના એક સિંહ ‘અંબર’ની ખાસયિત એ છે કે તે જૂનાગઢની બહાર ભેટરૂપે અપાયેલો ૧૫૧મો સિંહ છે.

ગુજરાત અને ભારતની શાનસમા એશિયાઈ સિંહનાં પ્રત્યક્ષ દર્શન કરવા હોય તો અત્યારે સાસણના દેવળિયાપાર્કમાં જવું પડે અથવા તો જૂનાગઢના સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયની મુલાકાત લેવી પડે. આ બંને સ્થળો સિવાય પણ વધુ ને વધુ લોકો એશિયાઈ સિંહને રૂબરૂ જોઈ શકે એ માટે ભારત અને ગુજરાત સરકાર દેશવિદેશમાં સિંહ મોકલે છે.

ઘણી વાર દોસ્તીભાવે પણ સિંહ મોકલવામાં આવે છે. ઇ.સ. ૧૯૫૧ પછીથી આપણી સરકારોએ કુલ ૧૫૧ સિંહ વતન જૂનાગઢની બહાર મોકલ્યા છે, તેમાં ૮ દેશોને દોસ્તીભાવે કુલ ૧૮ સિંહ ભેટમાં અપાયા છે. દેશની અંદર જુદાં જુદાં પ્રાણીસંગ્રહાલયમાં ૧૩૩ સિંહ આપવામાં આવ્યા છે. રસપ્રદ વાત એ છે આ રીતે સિંહ મોકલવાના થાય ત્યારે સિંહ-સિંહણની જોડી જ અપાય છે.

ઝૂમાં હાલ બે આફ્રિકન સિંહ છે. છેલ્લે ૧૯૯૭માં ગીરમાંથી સિંહ લાવવામાં આવ્યા હતા. અત્યારે આવેલા બે નવા મહેમાનો પૈકી સિંહણ જાનકીનું પિયર સક્કરબાગ ઝૂ છે, જયારે અંબર દેવળિયાપાર્કના મોસાળથી આવ્યો છે. જૂનાગઢસ્થિત વનસંરક્ષક ભરત પાઠક કહે છે કે, ‘જૂનાગઢના સક્કરબાગે કાંકરિયા ઝૂને ૧૯૫૫થી લઈને અત્યાર સુધીમાં કુલ ૧૧ વખત ૧૯ સિંહ આપ્યા છે. કાંકરિયા સિવાય મુંબઈ, જયપુર, ચેન્નઇ, જોધપુર, કોલકાતા, વડોદરા વગેરેનાં સરકારી પ્રાણીસંગ્રહાલયોને ૧૧૪ સિંહ અપાયા છે.’ સિંહને જે-તે ઝૂને આપવા માટે નક્કી કરેલા ધારાધોરણ પાળવા પણ જરૂરી છે. કમિટી પ્રાણીસંગ્રહાલયની સુવિધાને ઘ્યાનમાં રાખીને પ્રપોઝલને મંજૂરી આપે છે.
Source: http://www.divyabhaskar.co.in/2009/01/01/0901010130_outside_of_gir.html

No comments: