Saturday, February 13, 2010

સાસણમાં સિંહ દર્શન માટે પ્રવાસીઓની કતારો લાગી.

Bhaskar News, Talala
Thursday, October 22, 2009 02:16 [IST]

દેવળિયા પાર્ક રોડ ઉપર ટ્રાફિક જામ થઇ ગયો

ગીરના સિંહોનું વેકેશન પૂર્ણ થતા જ દીવાળી વેકેશન શરૂ થયું. પરિણામે સાસણ ખાતે સિંહ દર્શન માટે દર વર્ષની માફક હજારો પ્રવાસીઓનો ઘસારો થયો છે. દેવળીયા પાર્ક રોડ ઉપર વાહનોની કતારો લાગી જતાં ટ્રાફિક જામની સ્થિતી ઉભી થવા પામી હતી.

દીવાળીના તહેવારોનાં મીની વેકેશનમાં ફરવા નીકળી પડેલા પ્રવાસીઓ હજારોની સંખ્યામાં સાસણમાં ઉમટી પડયા છે. આથી સિંહ સદન તેમજ ૩૦ થી વધુ ખાનગી હોટલો, ગેસ્ટ હાઉસો અને ખુલ્લા ખેતરોમાં ઉભા કરાયેલા તંબુઓ હાઉસ ફુલ થઈ ગયા છે.

તા.૧૯ થી શરૂ થયેલી સહેલાણીઓની ભીડ તા.૨૫ ઓકટો. સુધી ચાલુ જ રહેશે. નેશનલ પાર્કમાં પણ આઠ રૂટોમાં ખુલ્લામાં વિચરતા સિંહોને જોવા પ્રવાસીઓએ પરમીટ મેળવવા લાંબી લાઈનો લગાવી દીધી હતી.

દિવસ દરમિયાન ૩ તબક્કાઓમાં ૯૦ ગાડીઓને જંગલમાં પ્રવેશવાની પરમીટો અપાઈ રહી છે. સહેલાણીઓની સંખ્યા તેનાથી અનેકગણી વધુ હોઈ પરમીટ મેળવવામાં ભારે હાલાકી વેઠવી પડી રહી છે. દેવળીયા સફારી પાર્કમાં પણ સિંહ દર્શન માટે રોડ ઉપર ગાડીઓની કતારો લાગી જતાં ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. હોટલ-તંબૂઓમાં જગ્યા મળતી નહતી.
Source: http://www.divyabhaskar.co.in/2009/10/22/091022021724_tourist_rush_for_see_lion_in_sansan_gir.html

No comments: