Saturday, February 13, 2010

સાત સિંહ કડિયાણીમાં ઘૂસી આવ્યા.

Bhaskar News, Amreli
Tuesday, October 06, 2009 03:11 [IST]

એક સાથે ચાર પશુનાં મારણ કરતા માલધારીઓમાં ફફડાટ

ગીર જંગલની બહાર વસતા સાવજો હવે પોતાના સિમાડાઓનો વિસ્તાર વધારતા જાય છે. ધારી, ખાંભા, સાવરકુંડલા પંથકમાં તો તેનો કાળો કેર છે જ હવે જાફરાબાદ તાલુકાના કડિયાણી ગામના પાદરમાં સાત સાવજોએ એક સાથે ચાર પશુનું મારણ કરી માલધારીઓમાં ફફડાટ ફેલાવી દીધો હતો.

સાવજોએ હવે જાફરાબાદ તાલુકો પણ સર કરી લીધો છે. અગાઉ સાવજો જાફરાબાદ તાલુકાના દરિયાકાંઠે પહોંચી ગયા હતા. રવિવારે મધરાત્રે સાત સાવજોનું ટોળું કડિયાણી ગામના પાદરમાં ત્રાટકયું હતું અને બે ગાય અને એક વાછરડી તથા એક વાછરડાનું મારણ કર્યું હતું.

સાત સાવજો છેક ગામના પાદરમાં આવી ગયા હતા અને ઝોકમાં બાંધેલી કાળાભાઈ દંતાભાઈ સાંખટની માલિકીની એક ગાય અને એક વાછરડી ફાડી ખાધી હતી. ઉપરાંત ભૂપતભાઈ મહમદભાઈ બ્લોચના એક વાછરડાંને પણ ઓહિયા કરી ગયા હતા. સાવજના ટોળાએ એક રેઢિયાર ગાયને પણ ફાડી ખાધી હતી.

ગામના સરપંચ દ્વારા આ બારામાં જંગલખાતાને જાણ કરવામાં આવી હતી જેને પગલે આરએફઓ વેગડ તથા ફોરેસ્ટર બ્લોચ વિગેરે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને કાગળ પરની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

સામાન્ય રીતે ધારી, ખાંભા, સાવરકુંડલા, અમરેલી અને લીલિયા તાલુકામાં સાવજ દ્વારા મારણની ઘટના નિરંતર બનતી રહે છે પરંતુ હવે જાફરાબાદ પંથકમાં પણ ફરી સાવજોનો ઉપદ્રવ શરૂ થતાં આ વિસ્તારના માલધારીઓમાં ફફડાટ ફેલાયો છે.
Source: http://www.divyabhaskar.co.in/2009/10/06/091006031327_seven_lion.html

No comments: