Saturday, February 13, 2010

રાષ્ટ્રપતિને સિંહ દર્શન કરાવવા માટે વન વિભાગ દ્વારા કવાયત

Bhaskar News, Junagadh
Friday, October 02, 2009 01:56 [IST]

વનકર્મીઓ દ્વારા સિંહોના રૂટ નું એક સપ્તાહથી મોનિટરિંગ

દેશનાં બંધારણીયવડાને સોરઠના વન કેસરીનાં દર્શન કરાવવા વન વિભાગનાં બીટ કર્મચારીઓ દ્વારા છેલ્લા ૧ સપ્તાહથી કવાયત કરવામાં આવી રહી છે. સિંહોની નિયમીત અવર જવર કયારે કયાં માર્ગ પર હોય જ છે. તે કેટલી સંખ્યામાં હોય છે વગેરે બાબતોની નોંધ વધારી દઈ એ પ્રમાણે રાષ્ટ્રપતિને સિંહ દર્શનનું સ્થળ પસંદ કરવામાં આવશે.

જંગલનો રાજા સિંહ કયારે કયાં દેખા દે એ નક્કી નહી પ્રિન્સ ચાલ્ર્સ દાયકાઓ પહેલાં ભારતની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેઓ પણ એશિયાટિક સિંહને જોવા સાસણ આવ્યા હતા. પરંતુ તેમના નસીબે એ વખતે એકપણ સિંહ જોવા ન હોતો મળ્યો. હવે રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ ખાસ સિંહ જોવા માટે જ સાસણ પધારી રહ્યાં છે.

ત્યારે દશેરાનાં દિવસે જ ઘોડું ન દોડે તો ?... આથી વનતંત્રે તમામ બીટગાર્ડોને સિંહોનો રોજીંદો દિશામાર્ગ, સ્થળ-સમય-સંખ્યા વગેરેનું મીનીટ-ટુ-મીનીટ નોટીંગ કરવાના આદેશો આપી દીધા હતા. બીટ ગાર્ડોછેલ્લા એક સપ્તાહથી કમલેશ્વર ડેમ આસપાસ સિંહનાં લોકેશનોનું ટ્રેકિંગ કરી રહ્યાં છે. ચોક્કસ સ્થળે ગણત્રીની પ્રક્રિયા વધારી દેવાઈ છે.

બચ્ચાવાળી સિંહણનો વિચરણ વિસ્તાર સામાન્ય સંજોગોમાં ઘણો મર્યાદિત રહેતો હોય છે. કમલેશ્વર ડેમ ખાતે અન્ય પ્રાણીઓ પાણી પીવા વધુ આવતા હોઈ રાષ્ટ્રપતિનાં સિંહ દર્શન માટેનો પોઈન્ટ ત્યાં નક્કી કરાયો છે.

તા.૨નાં સાંજે તેમનો મર્યાદિત વાહનોનો કાફલો ત્યાં જશે. અને વન કેસરીઓને નીહાળવાનો લ્હાવો લેશે. નિશાચર પ્રાણીઓ સૂર્યાસ્તનાં સમયે ગીચ ઝાડીઓમાંથી બહાર આવતા હોઈ સાંજનો સમય પસંદ કરાયો છે. જો કે, તા.૩નાં સવારે સોમનાથ જતા પહેલા પણ રાષ્ટ્રપતિની ઈરછા હશે તો કમલેશ્વર ડેમ સાઈટની મુલાકાત ગોઠવાશે.

એક સિંહની સ્મૃતિમાં ટપાલ ટીકીટ

ગીરનાં સિંહો વિશે અનેક કિંવદંતીઓ છે. પરંતુ ૧૯૬૦ના અરસામાં એક સિંહને ઈન્ફાઈટમાં કપાળે તિલક જેવો જખમ થયો. એ વખતનો ફોરેસ્ટ સ્ટાફ તેને ટીલીયો તરીકે ઓળખતા હતા. સહેલાણીઓને જોઈને પણ તે શાંત બેસી રહેતો.

સાંજના સમયે ફોટા પાડતા કે ફિલ્મ ઉતારતા પ્રવાસીઓને જાણે કે વિવિધ પોઝ આપતો હોય તેમ મોઢું ફેરવે, કેશવાળી ખંખેરી ઉભો થાય, આંટા મારે વગેરે. ટીલીયો એટલો લોકપ્રિય થયો હતો કે, ટપાલ વિભાગે તેની ખાસ ટિકીટ બહાર પાડી હતી.

કમલેશ્વર ડેમ

ગીરનાં વન્ય પ્રાણીઓને પીવાનાં પાણીનો સ્ત્રોત અને સિંચાઈ એમ બંને હેતુ બર લાવવા હિરણ નદી ઉપર જંગલ મઘ્યે સાસણ થી ૧૦ કી.મી દૂર કમલેશ્વર ડેમ બાંધવામાં આવ્યો છે. ૧૧૨૨ ફૂટ લાંબો અને ૨૦ ફૂટ પહોળો માટીપાળો ધરાવતો કમલેશ્વર ડેમ ૧૯૫૫માં બંધાયો હતો. રૂા.૯૧ લાખનાં ખર્ચે તેનું નિર્માણ કરાયું હતું. સૂર્યોદય વખતે તેનો નજારો માણવાલાયક હોય છે.
Source: http://www.divyabhaskar.co.in/2009/10/02/091002015728_lion_watch_president.html

No comments: