Tuesday, February 16, 2010

સેવા કરવા આવેલા ભાવિક પર દીપડાનો હુમલો.

Bhaskar News, Junagadh

જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં અન્નક્ષેત્રમાં ધોરાજીથી સેવા કરવા આવેલા સાતેક લોકો ગત રાત્રે ગિરનાર પર્વત પર શેષાવન નજીક ઉંઘી રહ્યા હતા. ત્યારે વહેલી સવારે દીપડાએ એક શ્રઘ્ધાળું પર હુમલો કરતા તેના માથામાં ગંભીર ઈજા પહોંચી હતી.

અન્ય લોકો જાગી જતા તેઓએ બુમાબમ કરતા દીપડો જંગલમાં નાસી ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા ધોરાજીના શ્રઘ્ધાળુને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. આ અંગેની વધુ વિગત મુજબ જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં અન્નક્ષેત્રમાં સેવા કરવા માટે અનેક ભાવિકો આવે છે.

આવી જ રીતે ધોરાજીનું એક ગ્રુપ પણ મેળામાં આવતા લોકોની સેવા કરવા આવ્યું હતું. ગતરાત્રે ધોરાજીનું સાતેક લોકોનું ગ્રુપ ગિરનાર પર્વત પર આવેલા શેષાવન નજીક ઉંઘી રહ્યું હતું. એ દરમ્યાન વહેલી સવારે ગિરનારનાં જંગલમાંથી અચાનક ચડી આવેલા દીપડાએ ધોરાજીના ખેડૂત મગનભાઈ બચુભાઈ બાલઘા (ઉ.વ.૫૦)પર હુમલો કર્યો હતો.

દીપડાએ હુમલો કરતા તેને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. એ દરમ્યાન તેની સાથે રહેલા લોકો જાગી જતા તેઓએ હાકલા-પડકારા કરતા દીપડો જંગલમાં નાસી ગયો હતો. બાદમાં મગનભાઈને તાકિદે જૂનાગઢની સિવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

જયાંથી બે-ત્રણ કલાક સારવાર અપાયા બાદ તેઓને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરાયા હતા. વધુમાં જાણવા મળ્યા મુજબ ધોરાજીનાં સેવાભાવી ગ્રુપના લોકો શેષાવન નજીક ઉંઘી રહ્યાં હતા ત્યારે મગનભાઈ બાલધા લાઈનમાં પાછળ સુતા હતા.

એટલે દીપડાએ આવી તેના પર જ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. ગિરનાર તથા આસપાસના વિસ્તારોમાં દીપડાઓની રંજાડ વધતી જાય છે. રોજબરોજ દીપડાઓ પશુઓ તથા માણસો પર હુમલાઓ કરતા હોવાના બનાવો બને છે.

પરંતુ શિવરાત્રીના મેળા દરમ્યાન દીપડાના હુમલાથી ભય ફેલાયો છે. વનતંત્ર દ્વારા દીપડાઓની રંજાડ સામે કાર્યવાહી કરવામાં આવે એવી માંગ ઉઠી છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/02/10/100210023312_lepord_attack_at_junagadh.html

No comments: