Tuesday, February 16, 2010

વિફરેલી સિંહણના ભયથી વૃઘ્ધ ઝાડ પર ચડી ગયા..!

Bhaskar News, Una

ઉના તાલુકાનાં સનખડા ગામની સીમમાં એક વિફરેલી સિંહણથી જીવ બચાવવા ૬૦ વર્ષનાં વૃઘ્ધ સડસડાટ ઝાડ પર ચડી ગયા હતા અને થોડો સમય પછી ડાળી તુટતાં નીચે પટકાયા હતા. અન્ય બે વ્યકિતઓએ પણ માંડ..માંડ પોતાનો જીવ બચાવ્યો હતો.

સનખડા ગામની સીમમાં આવેલાં ગભરૂભાઈનાં આંબાના બગીચામાં ગઈકાલે ધીરૂભાઈ અને તેમનાં પિતા માવજીભાઈ કામ કરી રહ્યા હતા. ત્યાર બાદ બાજુની વાડીવાળા દિલીપભાઈ ત્યાં આવતાં ત્રણેય બગીચામાં લટાર મારવા નીકળ્યા હતા.

આ સમયે એક સિંહણ તેનાં બે બચ્ચા સાથે નજરે પડતાં અને સિંહણ પણ આ લોકોને જોઈ વિફરી ત્રણેય પાછળ દોટ મુકતાં માવજીભાઈ નજીકનાં ઝાડ પર ચડી ગયા હતા. અને બાદમાં ઝાડની ડાળી તુટતાં નીચે પટકાયા હતા. તેમજ તેમના પુત્ર ધીરૂભાઈ અને દિલીપભાઈ પણ કાંટાવાળી ઝાડીમાંથી પસાર થઈ સિંહણથી પોતાનો જીવ બચાવ્યો હતો.

વનવિભાગ ઊંઘમાંથી કયારે જાગશે..?

ઉના પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓનો સતત મુકામ રહેતો હોવાથી સીમમાં જતાં લોકો ગભરાટ અનુભવી રહ્યા છે. વનખાતું આ સિંહણ અને તેનાં બચ્ચાઓને પાંજરે પુરવા તત્કાલ કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/02/05/100205025258_lioness_after_oldman.html

No comments: