Saturday, February 13, 2010

સિંહ દર્શનના મામલે રાજકીય અગ્રણીના પુત્ર પર હુમલો.

Bhaskar News, Amreli
Friday, October 23, 2009 01:30 [IST]

લીલિયા તાલુકાના ક્રાંકચ ગામ નજીક જંગલમાં બનેલી ઘટના

વન વિભાગના અધિકારી સહિત બે શખ્સો પાઇપ વડે તુટી પડ્યા

લીલિયાના ક્રાંકચમાં જિલ્લા પંચાયતના સદસ્યના પુત્રને ગઇરાત્રે એક ફોરેસ્ટ તથા કાઠી શખ્સે પાઇપ વડે આડેધડ મારમારતા તેના ગામમાં ધેરા પડઘા પડ્યા હતા અને આજે ગામ લોકોનું વિશાળ પ્રતિનિધિ મંડળ જિલ્લા કલેક્ટર તથા પોલીસ વડા સમક્ષ દોડી આવ્યું હતું અને આવેદન પત્ર પાઠવ્યું હતું અને બન્ને સામે આકરા પગલાં લેવા માગણી કરી હતી. આ બબાલ સિંહ જોવામાંથી ઉભી થઇ હતી.

અમરેલી જિલ્લા પંચાયતના સદસ્ય મગનભાઇ છગનભાઇ દુધાતના પુત્ર વિપુલ પર ગઇરાત્રે બે શખ્સોએ હુમલો કર્યો હતો. વિપુલભાઇ અને તેના મિત્રો વાડીએ પાંઉભાજીનો પ્રોગ્રામ રાખેલ હોય મોટર સાઇકલ લઇ વાડીએ જતાં હતા ત્યારે રસ્તામાં કેટલાક માણસો બેટરીઓ કરી ચારે તરફ જોતા હતા અને સિંહો આવ્યા હોવાની વાતો કરતા હતા.

વિપુલભાઇ ત્યાં ઊભા રહેતા ફોરેસ્ટર રાઠોડ અને ટીણુ પ્રતાપ કાઠી નામના શખ્સોએ ત્યાંથી ચાલ્યા જવાનું કહી તેની સાથે બોલાચાલી કરી હતી. બાદમાં બન્ને શખ્સો ઉશ્કેરાઇ ગયા હતા અને પાઇપ વડે હુમલો કરી વિપુલભાઇને આડેધડ માર માર્યો હતો. બનાવ અંગે તેમણે બન્ને સામે લીલિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

બીજી તરફ ટીનુ પ્રતાપ કાઠી નામના શખ્સની દાદાગીરીથી ગામ લોકોમાં ભારોભાર રોષ વ્યાપી ગયો હતો. આ શખ્સ ગામમાં ગમે ત્યારે ગમે તેના પર હુમલો કરે છે. જેને પગલે આજે કિરીટભાઇ દુધાત, પંકજભાઇ દુધાત, જી.પી. કોઠારી, બાબુભાઇ આંબાભાઇ, ભરતભાઇ શિરોવા, ખોડાભાઇ ગોરધનભાઇ ધડુક સહિત ૨૫૦ જેટલા ગામ લોકોએ આજે અમરેલી જિલ્લા કલેક્ટર તથા પોલીસ વડા સમક્ષ દોડી આવ્યા હતા અને આવેદનપત્ર પાઠવી બન્ને શખ્સો સામે આકરા પગલા લેવાની માગણી કરી હતી.
Source: http://www.divyabhaskar.co.in/2009/10/23/091023013059_attack_on_son_of_politition.html

No comments: