Saturday, February 13, 2010

આ માસૂમ મડદાખાઉ ઝરખ સાથે રમે છે.

ચોટીલા, અમદાવાદ, તા.૧૬

ચોટીલા તાલુકાના કંધાસર ગામમાં ઝવેરભાઇના ખેતરમાં કોઇ અજાણી વ્યક્તિ પ્રવેશે તો તેને આશ્ચર્ય ઉપજે છે. કેમ કે આ ખેતરમાં રખેવાળી કરતા શ્વાનની સાથોસાથ તેનું કટ્ટર દુશ્મન એવું કદાવર ઝરખ પણ ઘુરકીયા કરતું જોવા મળે છે. ગુજરાતીમાં 'ઝરખ', હિન્દીમાં 'લક્કડબંઘા' અને અંગ્રેજીમાં 'ઁઅીહટ્વ' (હાઇના) તરીકે ઓળખાતું જે આ શ્વાન- પ્રજાતિના મૂળનું જ માંસાહારી પ્રાણી આમ તો અંતરિયાળ જંગલમાં જ જોવા મળે છે પણ કંધાસર ગામના ખેડૂત પરિવાર સાથે તે જાણે એક સભ્ય તરીકે જ ભળી ગયું છે.

હાઇના પર સંખ્યાબંધ દસ્તાવેજી ફિલ્મો બની છે. અત્યંત લડાયક મિજાજ ધરાવતુ આ પ્રાણી વખત આવે સિંહ, દીપડા, વાઘ સાથે ઝઘડો વ્હોરી તેમને શિકારથી દૂર ભાગી જવા ફરજ પાડતુ હોય છે. પ્રાણીવિદે માટે અચરજની હકીકત એ છે કે આવું ઝરખ કે જે બચ્ચું હતું

ત્યારથી જ ખેડૂત ઝવેરભાઇ અને તેમના પરિવાર સાથે પાલતુ શ્વાનની જેમ અત્યંત સુમેળથી રહે છે, એટલું જ નહિ, તે માંસાહાર વિના જ ઉછર્યું છે.- જાણે કે તે પોતાના જન્મજાત શિકાર, માંસાહારના ગુણ સુધ્ધાં વિસરી ગયું છે.

ઝવેરભાઇએ જણાવ્યું છે કે, 'એકા'દ વર્ષ પહેલાં મારા બીજા ખેતરમાં કપાસમાં બિલાડીના બચ્ચાં જેવડું પોતાની માંથી વિખૂટું પડેલું આ બચ્ચું પડેલું મળી આવ્યું હતું. ત્રણ- ચાર દિવસ ત્યાં જ રહ્યું. અમે તેને રોજ દૂધ પીવરાવતા, પ્રેમથી પસવારતા. - પણ પછી તે ત્યાંથી ગયું નહિ. હું તેને મારા બીજા ખેતરમાં કે જ્યાં મારું ઘર છે, ત્યાં લાવ્યો અને તેને 'પિન્ટુ' નામથી બોલાવા લાગ્યા. બસ, ત્યારથી તે અહીં જ છે. બચ્ચાંને રોજ બે ટાઈમ ભેંસનું દૂધ, મીઠી સાકર, ચીભડાં, ઘીથી લસબસતો શિરો ખવડાવતા હતા. ધીમે ધીમે કદાવર થતા બચ્ચું હવે અન્ય ઝરખ જેવું જ દેખાય છે.' ઝવેરભાઇના નાનાં બાળકો સાથે પોમેરિયન ડોગની માફક ધીંગામસ્તી કરતા ઝરખને જોઇ આગંતુક સહુ કોઇને ભારે અચરજ થાય છે. ઝવેરભાઇનાં પત્ની ઝરખ અને શ્વાનોને સાથે જ પસવારે છે. આમ, શ્વાનો- ઝરખ વચ્ચે પણ અનોખી જુગલબંધી છે.

ઉલ્લેખનીય છે, ગુજરાતમાં ઝરખ લુપ્તતાના આરે છે ત્યારે જન્મજાત લક્ષણોથી તદ્દન વિપરીત જીવતું આ ઝરખ વાઈલ્ડ લાઈફ પ્રેમી માટે સંશોધનના વિષય સમાન છે.

ઝરખ મોટા ભાગે સાંજએ શિકારની શોધમાં નીકળે છે

ઝરખ દિવસે પહાડોની બખોલમાં ભરાઈ રહે છે અને મોટા ભાગે સાંજ પછી શિકારની શોધમાં હોય છે. નિશાચર પ્રકૃતિના આ પ્રાણી વિશે એવું પણ કહેવાય છે કે તેની લાળમાં એસિડ જેવો સ્રાવ ઝરે છે. આ સ્રાવમાં હાડકાંને ઢીલું (પોચું) કરી નાખવાની ક્ષમતા હોય છે. ગ્રામ્ય પ્રજામાં ઝરખ વિશે એવી માન્યતા છે કે તેના તેલમાં અનેક અસાધ્ય રોગોને મટાડવાની શક્તિ છે તેથી ઝરખના તેલની કિંમત ખૂબ જ ઊંચી હોય છે.

ઝરખના નામ માત્રથી માનવીને ગુસ્સો અને તિરસ્કાર કેમ ઉપજે છે ? ઝરખ તો પ્રાણીઓના મડદાં ચૂંથીને ખાય, દફનાવેલા માનવ મૃતદેહો પણ ખોદી કાઢી આરોગી જાય, માનવ હાસ્ય કે રૃદન જેવો જ અવાજ કાઢી ભયાનકતા વધારે વગેરે અનેક પ્રકારની વાતો ઝરખ વિશે વહેતી થયેલી હોવાથી મનુષ્ય અને ઝરખનું સહજીવન ભાગ્યે જ શક્ય બન્યું છે. બાળકોમાં લોકપ્રિય હોલિવૂડ ફિલ્મ 'લાયન કિંગલ્લમાં સૌથી ઘૃણાસ્પદ પાત્ર જો કોઈ હોય તો તે ત્રણ ઝરખ(હાઈના)- શેન્ઝી, બાન્ઝાઈ અને એડ જ છે ને. આફ્રિકાના દેશોમાં મોટાભાગે 'સ્કેવેન્જર' (મૃતદેહોનું ભક્ષણ કરી જીવતા પ્રાણી) તરીકે ઓળખાતા ઝરખની કેટલીક રસપ્રદ અને વિચક્ષણ હકીકતો અહીં પ્રસ્તુત કરી છે. ઉત્પત્તિ ઃ ૨.૬ કરોડ વર્ષ પૂર્વે. ત્યારથી અત્યાર સુધીમાં મુખ્યત્ત્વે આફ્રિકા, અરેબિયા, એશિયા અને ભારતીય ઉપખંડમાં જોવા મળતા ઝરખની ૩૦થી પણ વધુ જાતિ હયાત છે. જેમાં મુખ્યત્વે કૂતરા, બિલાડી સાથે સામ્યતા ધરાવતા, દીપડાની જેમ ટપકાંવાળા (સ્પોટેડ) અને ચિત્તાની જેમ પટ્ટાવાળા (સ્ટ્રાઈપ્ડ) ઝરખ વધુ જોવા મળે છે. ઝરખનું સરેરાશ આયુષ્ય ૨૫ વર્ષ સુધીનું છે. ૩૪થી ૬૦ ઈંચનું કદ ધરાવતા ઝરખનું સરેરાશ વજન ૫૦થી ૮૬ કિગ્રા હોય છે.

વસવાટ ઃ ઝરખ મોટાભાગે સૂકા અને રણપ્રદેશોમાં વધુ જોવા મળે છે. આ ઉપરાંત જંગલો અને ડૂંગરાળ, પર્વતીય પ્રદેશોમાં પણ તેમનો વસવાટ રહેલો છે. અહીં તેઓ એક 'ડેનલ્લ બનાવી નાના નાના જૂથમાં વસવાટ કરે છે. આ કબિલાના ઝરખ તીવ્ર ગંધ ધરાવતી પોતાની વિષ્ટા વડે પોતાનો અધિકારક્ષેત્ર નિશ્ચિત કરી દે છે. જેને બીજા કબિલાના ઝરખ ઓળંગતા નથી.

પરિવારઃ ઝરખના બચ્ચાં ખુલ્લી આંખે જન્મે છે. જન્મના પાંચ મહિના બાદ આ બચ્ચાં માંસાહાર શરૃ કરે છે. લગભગ ૧૮ મહિના સુધી તે માંસ ચૂસીને જ પોષણ મેળવે છે. કારણ કે, શિયાળ અને કૂતરાની જેમ પુખ્તવયના ઝરખ આ બચ્ચાંને આહાર લાવી આપતા નથી.

આહારઃ મોટા પ્રાણીઓના શિકારમાં ભાગ પડાવતા ઝરખ પોતે આબાદ શિકારી ગણાય છે. પરંતુ, મોટાભાગે તેમની નજર મૃતદેહો પર જ મંડાયેલી હોય છે. તેમના મજબૂત જડબાં, દાંત અને જલદ એસિડ ઊત્પન્ન કરી શકતા પેટના કારણે ઝરખ દરેક પ્રકારના મૃતદેહના માંસ અને હાડકાં જ નહીં પણ બીજા પશુઓની વિષ્ટા પણ મોજથી આરોગી પચાવી જાણે છે. જો કે, આવા મૃતદેહોમાંથી આરોગેલા વાળ, શિંગડા અને નખ પચાવવાના બદલે નાની ગોળીઓના સ્વરૃપે ઓકી કાઢે છે. કેમ્પિંગ કરનારાઓના કહેવા મુજબ ઘણીવાર ઝરખ એલ્યુમિનિયમના કેન પણ છોડતા નથી.

ઝરખ અને સંસ્કૃતિઃ આફ્રિકાની એક 'બૌડાલ્લ જાતિમાં એવી માન્યતા છે કે, તેમની જાતિના કેટલાક લોકો ઝરખમાં ફેરવાય છે. જેને તેઓ 'બુલ્ટુન્જીનલ્લ કહે છે. તેનો અર્થ 'હું ઝરખમાં બદલાઈ જાઉં છુંલ્લ તેવો થાય છે. કેન્યા અને તાન્ઝાનિયાની મસાઈ જાતિના લોકો તો મૃત્યુ બાદ સગાંને દફનાવવા કે અગ્નિદાહની જગ્યાએ મૃતદેહ ઝરખને સોંપી દેવાની પ્રણાલિ ધરાવે છે.

જંગલમાં મૂકવા ગયા ત્યારે રડવા લાગ્યું

ઝવેરભાઇના કહેવા મુજબ બચ્ચું પુખ્તતાના આરે પહોંચતા અમે તે પોતાનું લાક્ષણિક જંગલ જીવન જીવી શકે તે માટે વનમાં છોડી આવવા પ્રયાસો કર્યા હતા પણ જાણે તેને અમારાથી વિખૂટા થવાનો અંદેશો આવી જતો હોય તેમ ઉં.ઉ..ઉ..લાળી પાડી 'રડવા' લાગે છે. અમારી તેને એટલી 'માયા' છે ઘરેથી ગામમાં જઇએ તો પાછળ- પાછળ ગામમાં અમારી સાથે આવે છે. મારા બાળકો સાથે

એવી તો ગેલ ગમ્મત કરે છે જાણે અમારી સાથે તેને પૂર્વજન્મનું કોઇ લેણું હોય તેવું લાગે છે. અલબત્ત, ભૂલકાંઓને ખબર નથી કે વાસ્તવમાં આ કેટલું હિંસક અને શક્તિશાળી પ્રાણી છે- તેમ તેમણે ઉમેર્યું હતું.

ઝરખ સો ટકા માંસાહારી પ્રાણીઃ આરએફઓ

રેન્જ ફોરેસ્ટ ઓફિસર, વાઈલ્ડ લાઈફ વોર્ડન પી. વી. ઝાલાના જણાવ્યા અનુસાર ઝરખ ૧૦૦ ટકા માંસાહારી છે. તેના ખોરાકમાં નાના તમામ પ્રાણીઓ, મૃત પશુ- પક્ષીઓનાં કંકાલ, શિયાળ, લોકડી, હરણ મુખ્ય ખોરાક હોય છે. ફોરેસ્ટ વિભાગ ઝરખને જંગલના સફાઈ કામદાર તરીકે ઓળખે છે કેમ કે તેના ખૂબ શક્તિશાળી જડબા મોટાં હાડકાં સુધ્ધાં આસાનીથી ચાવી શકે છે.

હિંસક પ્રાણી પાળી ન શકાય તે કાયદાનું શું ?

ફોરેસ્ટ વિભાગમાં શિડયુલ ત્રણમાં આવતા પ્રાણીઓમાં ઝરખનો સમાવેશ છે. નિયમ મુજબ પાલતુ પ્રાણીઓની શ્રેણીમાં ઝરખનો સમાવેશ થતો નથી. જોકે, ઝવેરભાઇને આવા કોઇ કાયદાની ખબર નથી. હિંસક જાનવરની કોઈ કનડગત નથી. સૌ સાથે બિન્ધાસ્ત રીતે જીવે છે. કહે છે કે પ્રેમમાં એક વિશિષ્ટ શક્તિ છે. ઝવેરભાઈના પરિવારે અજાણતા જ એક હિંસક પ્રાણીને નિઃસ્વાર્થ પ્રેમ આપ્યો ને તેની અસરથી હિંસક પ્રાણીની રીતભાત સુધ્ધાં બદલાઇ ગઇ !
Source: http://sandesh.com/sandesh_article.aspx?newsid=122841

No comments: