Tuesday, February 16, 2010

ઓણ સાલ પેટ ભરીને કેરી ખાઇ શકાશે.

Bhaskar News, Rajkot

સૌરાષ્ટ્ર કેરીના ઉત્પાદનનું મોટું થાણું છે. તાલાલા, ઊના, વંથલી અને ધારી પંથકની કેસર કેરી સ્વાદ અને સોડમની દ્રષ્ટિએ અવ્વલ નંબરના છે, કરછે પણ કાઠુ કાઢયું છે. ગીરની કેસર કેરીને કેરીઓની રાણી કહેવામાં આવે છે. પણ છેલ્લા બે વર્ષથી કેરીના ઉત્પાદનમાં જંગી ઘટાડો થયો હતો.

મઘ્યમ વર્ગના માણસો છે...ક... ઉનાળાના ઉતરાર્ધમાં જ ખરીદી શકે એટલી કેરી મોંઘી બની હતી. પણ આ વખતે હવેના બે-ત્રણ મહિનામાં જો કાંઇ અજુગતું ન બને તો ઓણ સાલ બજારો કેરીથી ઊભરાઇ જવાની છે. કષિક્ષેત્રના અભ્યાસુ રમેશભાઇ ભોરાણિયાએ કરેલા સર્વે દરમિયાન અત્યારે આંબાવાડીઓ લચી પડેલી મોર અને ખાખડીના બંધારણથી મ્હોરી ઊઠી છે અને કેરીનો મબલખ પાક વહેવાની આશા બંધાણી છે.

ગત વર્ષની તુલનામાં આ વર્ષે ચિત્ર અનેક ગણું ઊજળું છે. ગત વર્ષે સોરઠમાં સરેરાશ માંડ ૩૦ થી ૩૫ ટકા પાક ઉતર્યોહતો. જ્યારે કચ્છમાં માત્ર ૨૫ ટકા પાક ઉતર્યોહતો. પરંતુ એની સામે ખેડૂતોને દામ ઊચા ઉપજયા હતા. પરિણામે આંબાના વાવેતરના વિસ્તારમાં વધારો થતો જાય છે.

સૌરાષ્ટ્ર કચ્છની સંયુકત બાગાયત કચેરીના આંકડા મુજબ વર્ષ ૨૦૦૭-૦૮માં સૌરાષ્ટ્ર-કચ્છમાં ૩૫૭૭૬ હેક્ટર વિસ્તારમાં આંબા હતા. તેમાં આ વર્ષે ૪.૫૫ ટકા વિસ્તાર વઘ્યો છે. આ વર્ષે ૩૭૪૦૪ હેક્ટર જમીનમાં આંબાનું વાવેતર થયું છે. એટલે કે ગત વર્ષ કરતા૧૬૨૮ હેક્ટર વધુ જમીનમાં આંબાનું વાવેતર નોંધાયું છે. જો કે આ કારણે નહીં પણ મોરનું ખૂબ સારું આવરણ અને મગિયાનું સારું બંધારણ થવાને કારણે આ વર્ષે કેરીનું ઉત્પાદન વધશે એવા ઉજળા સંજોગો સર્જાયા છે.

સૌરાષ્ટ્રમાં ગત વર્ષની તુલનામાં ડબલ પાકની આશા

સોરઠના તાલાલા, ઊના, વંથલીના ખેડૂતોને કેરી આ વખતે તારી દેશે. વિસાવદરના રતાંગ ગામના ખેડૂત નરેશભાઇ બોઘરાના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે ઠંડીના દિવસો ઘટ્યા છે તેને કારણે કેરીનું બંધારણ આગળ-પાછળ થયું છે. મોરનું આવરણ મોડું હોવાને કારણે જો વરસાદ ખેંચાશે તો કેરીનો પુષ્કળ પાક મળશે.

વંથલીમાં આંબાવડિયુ ધરાવતા પ્રવીણભાઇ મકવાણાના મંતવ્ય અનુસાર ઋતુ પરિવર્તનને કારણે અત્યારે મોર, મગિયો કે કોડી જેવા જુદા જુદા સ્ટેજના બંધારણ હોવા છતાં ગત વર્ષ કરતાં બમણું ઉત્પાદન થશે. ધાવા (ગીર)ના જે.પી. હિંગરાજિયાના જમાવ્યા મુજબ કેરીનું સારું બંધારણ છે. રોગ, જીવાત અને વાતાવરણના બદલાવમાં ખેડૂતો થોડી કાળજી રાખશે તો મબલખ કેરી પાકશે.

ગત વર્ષની ખોટ આ વખતે સરભર થઇ જશે

અમરેલી જિલ્લામાં રાજુલાના વડ ગામે આંબાની ખેતી કરતી પીઠુભાઇ બોરિચા કહે છે કે, આ વખતે ત્રણ તબક્કે મોરનું આવરણ આવ્યું છે. હવે કુદરત મહેરબાન રહે અને આગામી બે-ત્રણ મહિના હવામાન સારું રહેશે તો કેરીના ઢગલા થશે. કચ્છના માંડવી તાલુકાના મઉ ગામમાં આંબાવાડી ધરાવતા અને વિદેશમાં કેરીની નિકાસ કરતા બટુકસિંહ જાડેજા કહે છે કે, ગત વર્ષના ઓછા પાકનું વળતર આ વર્ષે મળી જશે એવા મોરના આવરણ નજરે પડે છે. કચ્છના નાયબ બાગાયત નિયામક ડો.ફાલ્ગુનભાઇ મોઢ પણ માને છે કે, અત્યારે મોરમાંથી મગિયો બંધાઇ રહ્યો છે. વાતાવરણનો કાંઇ વિક્ષેપ ન આવે તો કેરીના ઉત્પાદનનું ચિત્ર આશાસ્પદ છે.

તાલાલા યાર્ડમાં ખાખડીની જબ્બર આવક

તાલાલા એપીએમસીના સેક્રેટરી હરસુખભાઇ જારસાણિયાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, નવેમ્બરના મોરમાંથી ખાખડીનું બંધારણ થયું છે. ડિસેમ્બરનું આવરણ બળી ગયું છે. જ્યારે જાન્યુઆરીના મોરનો મગિયો બંધાઇ રહ્યો છે. અત્યારે તાલાલા યાર્ડમાં ચારથી પાંચ હજાર કિલો ખાખડીની આવક થાય છે. જે ગત વર્ષની સરખામણીએ નોંધપાત્ર રીતે વધારે છે. ખાખડીની વધુ આવક આ વર્ષે વધારે પાક થવાનો નિર્દેશ આપે છે.

બેકી નંબરના વર્ષમાં વ

કચ્છના નિવૃત્ત સંયુકત બાગાયત નિયામક આર.જી. ખોજાએ પોતાના નિરીક્ષણ અને અનુભવી ખેડૂતો, અભ્યાસુઓ પાસેથી મેળવેલી માહિતીનું એક તારણ એ છે કે, આંબાની દેહધાર્મિક પ્રક્રિયા અનુસાર ઉત્પાદનમાં ‘ઓન યર’ અને ‘ઓફ યર’ આવે છે. એકી નંબરની સાલ ઓફ યર અને બેકી નંબરની સાલ ઓન યર ગણાય છે. ઓન યરમાં કેરીનો વધારે પાક મળે છે. આ વર્ષે પણ ૨૦૧૦નું વર્ષ બેકી નંબરનું છે.

No comments: