Saturday, February 13, 2010

સિંહ-સિંહણની જોડી છેક હામાપુર સુધી પહોંચી ગઇ.

Thursday, Feb 11th, 2010, 3:28 am [IST]
Bhaskar News, Amreli

ગીર કાંઠાના સિમાડાઓ વળોટી ગયેલા સાવજો હવે છેક બગસરા તાલુકાના હામાપુર સુધી પહોંચ્યા છે. સિંહ-સિંહણની જોડીએ હામાપુરની બજારમાં ઘૂસી બે બળદનું મારણ કરતા ગામલોકોમાં ભયનો માહોલ પ્રસરી ગયો છે. આ ગામમાં પ્રથમ વખત સિંહ આવ્યા હતા.

જંગલના સાવજો હવે ગીરથી દૂર દૂરના વિસ્તાર સુધી પહોંચી રહ્યા છે. બગસરા તાલુકાના હામાપુર ગામ પણ ગીરથી ઘણે દૂર છે. પરંતુ, હવે આ ગામમાં પણ સિંહની હાંક વાગી રહી છે. ગઇ મધરાત્રે ગામની બજારમાં સિંહ યુગલનું આગમન થયું હતું.

રાત્રિના દોઢેક વાગ્યાના સુમારે હામાપુરના ભરત દેવા દેવીપૂજકમાં ઘર બહાર બાંધેલા એક બળદને સિંહ યુગલે ફાડી ખાધો હતો. ઉપરાંત સીમમાં દાદાભાઇ નાગભાઇ દરબારના બળદને પણ ફાડી ખાધો હતો.

સવારે જયારે ગામમાં સિંહ આવ્યા હોવાની જાણ થઇ ત્યારે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. તાકીદે જંગલખાતાને જાણ કરવામાં આવતા વન કર્મચારીઓ અહીં દોડી આવ્યા હતા. સગડના આધારે સિંહ-સિંહણ હોવાનું ફલીત થયું હતું. પરંતુ, આ સિંહ યુગલ કઇ દિશામાં ગયું અને હાલમાં કયાં છે તે જાણવામાં વનતંત્ર નિષ્ફળ રહ્યું હતું.
Source: http://www.divyabhaskar.co.in/2010/02/11/100211025318_lion_reach_till_hamapur.html

No comments: