Tuesday, February 16, 2010

ગીરના જંગલમાંથી બાંગ્લાદેશી શખ્સ ઝડપાતા ભારે સનસનાટી

Bhaskar News, Una

વનવિભાગે તેની પાસેથી મોરનાં પીંછા, લોખંડનો સળિયો, છરી કબજે કર્યા

ઉના તાલુકાનાં જશાધાર રેન્જ વિસ્તારમાં શિકાર કરવાનાં ઈરાદે આવેલાં એક બાંગ્લાદેશી શખ્સને વનવિભાગે ઝડપી લેતાં ચકચાર મચી ગઈ છે.

વનવિભાગે તેની પાસેથી મોરનાં પીંછા, લોખંડનો સળીયો અને છરી સહિતનો મુદ્દામાલ કબ્જે કરી વન પ્રાણી સંરક્ષણ ધારા હેઠળ ગુનો દાખલ કરી કોર્ટમાં રજૂ કરી તેને કસ્ટડી હવાલે કરી દેવામાં આવ્યો છે.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ જશાધાર રેન્જનાં આરએફઓ કે.બી.મુલાણી, રાઉન્ડ ફોરેસ્ટર, યુ.એન.લલીયા અને ગાર્ડ ભરતભાઈએ ગઈકાલે પેટ્રોલીંગ દરમ્યાન જશાધાર અભ્યારણ્યનાં ધોકાધાર વિસ્તારમાંથી એક શખ્સને ઝડપી લઈ તેની પાસેથી મોરનાં પીછાં, લોખંડનો સળીયો અને છરી સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ શખ્સ શિકાર કરવાનાં ઈરાદે જ જંગલમાં ઘુસ્યો હોય અને મોરનો શિકાર કર્યાનું વનવિભાગ અનુમાન કરી રહી છે.

આ શખ્સની ભાષા કંઈ સમજી શકાતી ન હોય અને બિહાર, ઓરીસ્સા, યુપી જેવા રાજયોનું રટણ કરતો હોવાથી તેને રાજુલા નજીક આવેલી એલ એન્ડ ટી સીમેન્ટ ફેકટરી ખાતે લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ફેક્ટરીમાં કામ કરતા પરપ્રાંતિય શ્રમીકો પણ તેની બોલચાલ સમજી શક્યા ન હતા.

દરમ્યાન ફેકટરીની કેન્ટીનમાં કામ કરતો રસોઈયો ગણેશ શંકર (રહે.પ.બંગાળ) તેની ભાષા સમજી જતાં વનવિભાગે તેનો દુભાષીયા તરીકે ઉપયોગ કરી વિગતો મેળવતાં આ શખ્સ બાંગ્લાદેશનો રહેવાસી અને તેનું નામ દીલીપસીંગ બાબુલાલસીંગ હોવાનું જાણવા મળ્યું હતું.

ધારીનાં ડીએફઓ રાજાએ પણ આ શખ્સની પૂછપરછ કરી હતી પરંતુ તેની વિચીત્ર ભાષાને લીધે કોઈ જાણકારી પ્રાપ્ત કરી શકયા ન હતા. વન વિભાગે તેની વિરૂઘ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ ધારા ૧૯૭૨ની કલમ ૯ની ૨(૧૬), ૨(૭૬), ૨(૩૫), ૨(૩૧), ૪૦(૧), ૨૬(૧), ૩૯(૩), ૫૦ અને ૫૧ મુજબ ગુનો દાખલ કર્યોહતો. અને આજે કોર્ટમાં રજૂ કરી કસ્ટડી હવાલે કરી દેવાયો હતો.

બાંગ્લાદેશનો પાસપોર્ટ મળ્યો નથી

આ શખ્સ પાસેથી બાંગ્લાદેશનો પાસપોર્ટ મળ્યો નથી. બે પિત્ન અને ચાર સંતાનનો પિતા છે. અને ભિખારી જેવો દેખાઈ રહ્યો છે.

તપાસના મુદ્દાઓ

- બાંગ્લાદેશથી ક્યારે આવ્યો ?
- કયા રસ્તેથી આવ્યો ?
- અહીં સુધી પહોંચવામાં કોણે મદદ કરી ?
- અત્યાર સુધી ક્યાં ક્યાં આશ્રય લીધો?
- ગુજરાત અને ગીરના જંગલમાં ક્યારે આવ્યો ?
- શિકારનો જ હેતુ કે આતંકવાદી સંગઠન સાથે સાંઠગાંઠ ?

ભાષા ન જાણતો હોવાનો ડોળ તો કરતો નથી ને..?

આ શખ્સ ૬ દિવસથી આવ્યો હોવાનું અને શિકાર કરવા કે જંગલનું લોકેશન જોવા આવ્યો હોય અને જંગલમાં કયાંથી પ્રવેશ્યો તે લોક ચર્ચાએ જોર પકડ્યું છે. ભાષા ન જાણતો હોવાનો ડોળ કરી વન વિભાગને ગેરમાર્ગે તો દોરી રહ્યો નથી ને? તે પણ તપાસનો વિષય બને છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/01/30/100130020811_bangladeshi_hunter_found_from_gir_forest.html

No comments: