Saturday, February 13, 2010

રાષ્ટ્રપતિ કમલેશ્વર ડેમ પાસે સિંહ દર્શન કરે એવી શક્યતા.

Bhaskar News, Talala
Thursday, September 24, 2009 01:23 [IST]

સિંહ દર્શન સાથે જંગલમાં વસતા માલધારીઓની જીવનશૈલીથી પરિચિત થાય તે મુજબનો રૂટ પસંદ કરાશે

ગીરનાં જંગલમાં વિચરતા એસીયાટીક સિંહોને નિહાળવા સાસણ પધારી રહેલા રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતીભા પાટીલ સાસણ ખાતે ૨ જી ઓકટોમ્બરે સાંજે આવી પહોચશે રાષ્ટ્રપતિને સિંહ દર્શન સાથે જંગલમાં વસતા માલધારીઓની જીવન શૈલીથી પરીચીત થઈ શકે તે મુજબનો રૂટ ગીર નેશનલ પાર્કનાં જંગલના આઠ રૂટોમાંથી પસંદ કરી તે રૂટનાં નકશા લે-આઉટ પ્લાન બનાવી ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂ કરવા ફોરેસ્ટ વિભાગ દ્વારા આયોજન થઈ રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.

ગીર જંગલમાં સિંહ દર્શન છેલ્લા ચાર માસથી બંધ હોય ચોમાસાની ઋતુ અને સિંહ પ્રજાતીનાં મેટીંગ પીરીયડનાં સમયગાળા દરમિયાન સિંહો જંગલમાં જગ્યા ફેરવી સ્થળાંતર કરતા હોય છે. રાષ્ટ્રપતિની મુલાકાત પહેલા ગીર નેશનલ પાર્કનાં આરક્ષીત જંગલ વિસ્તારમાં આવલા આઠ રૂટોમાં હાલ કયાં રૂટમાં કયા વિસ્તારમાં કેટલા સિંહો છે તેની ભાળ ફોરેસ્ટ વિભાગ કરી રહ્યું છે.

રાષ્ટ્રપતિનાં કાફલા સાથે જંગલમાં કયાં રૂટ ઉપર સલામત રીતે સિંહ દર્શન સાથે જંગલના વન્ય પ્રાણીઓ સાથે જંગલમાં વસવાટ કરતા માલધારીઓની જીવનશૈલીથી પરીચીત કરાવી શકાય તેવા રૂટને અગ્રતા આપવામાં તંત્ર કામ લાગ્યું છે.

ગીર પશ્ચિમની તમામ રેન્જોનાં રેન્જ ફોરેસ્ટરો અને ફેરણા માટે નીકળતા ફોરેસ્ટ બીટગાર્ડો પાસેથી જંગલની દરેક રેન્જમાં કયાં કયાં ભાગોમાં સિંહો પડયા પાથર્યા છે તેની વિગત એકઠી કરાઈ રહી છે. કમલેશ્વર ડેમનાં ગાઢ જંગલમાં સિંહો વધુ સંખ્યામાં વિચરતા હોવાથી કમલેશ્વર ડેમ વાળા રૂટ નં-૪ અને ૭ ઉપર પહેલા પસંદગી ઉતારાય તેવી સંભાવના છે.

કમલેશ્વર ડેમ તરફ જવા માટે નો લાંબો જંગલનો રસ્તો કે તે રૂટમાં સિંહો સાથે માલધારીઓનાં નેસડાઓ પણ આવતા હોવાથી તેઓ કોરાજલા વાળો ૨ નંબરનો રૂટ ઉપરથી કમલેશ્વર તરફ જવાય તેમાં ખળા, ડેડકડી, દુધાળાનાં નેસડાઓ પીળીપાટનાં જંગલ વિસ્તારમાં થઈ કમલેશ્વર ડેમ પહોંચાય તે રૂટનાં નકશા અને લે આઉટ પ્લાન બનાવી તે રૂટમાં જોવા મળતા સિંહોની સંખ્યા સહીતની વિગતો મેળવી નકશો તૈયાર કરાઈ રહ્યો છે. તે રૂટમાં સિંહ પરીવારના દર્શન થવાની શક્યતા વધુ હોવાથી તે રૂટની વિગત ઉચ્ચ ફોરેસ્ટ અધિકારીઓ સમક્ષ રજૂ કરી મંજુરી મેળવવાની તૈયારી થઈ રહી છે.

ગીર જંગલ ૧૫ જુન થી ૧૫ ઓકટોમ્બર સુધી પ્રવાસીઓ માટે બંધ રહેતુ હોય છે. પરંતુ ૨ જી ઓકટોમ્બરે રાષ્ટ્રપતિની જંગલની સત્તાવાર મુલાકાત બાદ જંગલમાં સિંહ દર્શન માટે પ્રવાસીઓ માટે જંગલ વહેલુ તેર દિવસ ખુલ્લુ મુકાશે તેવી સંભાવના જાણવા મળી રહી છે.
Source: http://www.divyabhaskar.co.in/2009/09/24/090924012406_pratibha_patil_congress_president_gir_lion.html

No comments: