Tuesday, February 16, 2010

રાજુલાના દેવકામાં સિંહોના ટોળાએ ચાર ગાયોનું મારણ કર્યું.

રાજુલા, તા.૧૫

રાજુલા તાલુકાના દેવકા ગામે રાત્રીના સમયે સિંહોના ટોળાએ ગાયોના મારણ કરતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની જાણ થતાં ફોરેસ્ટ ખાતાની ટીમ તત્કાલ દોડી આવી હતી. આ અંગે વધુ તપાસ ફોરેસ્ટ ખાતાની ટીમ કરી રહી છે.રાજુલા તાલુકામાં સિંહના ટોળા અવારનવાર દેખાતા હોય છે અને પશુઓના મારણ કરતા હોય છે. તેવી જ ઘટના ગત રાત્રીના સમયે બનવા પામેલ છે. રાજુલા તાલુકાના દેવકા ગામના જીણાભાઈ વાવડીયાના ખેતરમાં વાડો ભારે રાખી રહેતા અને માલ ઢોરનો ઉછેર કરતા ભરવાડ ગોકળભાઈ બીજલભાઈ રાત્રીના સમયે સુતા હતાં. ત્યારે સિંહોના ટોળા ખેતરના વાડામાં બાંધેલ ચાર ગાયોને ફાડી ખાધી હતી. આ બાબતની જાણ ગોકુલભાઈ ભરવાડે ફોરેસ્ટ ખાતાને કરતા ફોરેસ્ટ ખાતાની ટીમ તત્કાલ ધોરણે ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ફોરેસ્ટની ટીમે ઘટના સ્થળની તપાસ હાથ ધરી હતી.

સિંહોના ટોળાએ ગાયોના મારણ કર્યાની વાતો વાયુવેગે ફેલાય જતા ઘટના સ્થળે લોકોના ટોળે-ટોળા જોવા મળ્યા હતા. ગાયોના મૃત્યુની ઘટનાની બાબતે લોકોએ દુઃખ વ્યક્ત કર્યુ. આવી ઘટનાઓ રાજુલા પંથકમાં વારંવાર બનતી હોયછે. જેના કારણે હાલ લોકોમાં સિંહના નામનો ફફડાટ જોવા મળી રહ્યો છે. તેમજ માલધારી લોકોને તેમના માલઢોરની ચિંતા સતાવી રહી છે. કારણ કે, સિંહોના ટોળા રાત્રીના સમયે આવી ઢોરનું મારણ કરતા હોય છે. જેના લીધે હાલ રાજુલા પંથકના લોકોમાં ભયની લાગણી જોવા મળી રહી છે. ઉપરોક્ત ઘટના બાબતે ફોરેસ્ટ ખાતાની ટીમે વધુ તપાસ હાથ ધરી છે. પરંતુ રાજુલા પંથકના લોકોનો સલામતીનો પ્રશ્ન ઉભો થયો છે. હાલ રાજુલાના લોકોમાં ભયની લાગણી જોવા મળી રહી છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=160057

No comments: