Wednesday, April 22, 2009 12:44 [IST]
જેની એક ત્રાડ માત્રથી ભલભલાના ગાત્રો ઢીલા થઈ જતાં હોય એવા બે ખૂંખાર પ્રાણીઓ એટલે વાઘ અને સિંહ. આ બન્ને સજીવો પર બે મહિલાઓએ પીએચ.ડી કર્યું છે! જાણીએ તેમના અનુભવો...

એકનું નામ છે, મીના અને બીજી મહિલાનું નામ છે, લતિકા રાણા. લતિકાના નામની આગળ હવે ડો. લગાડી શકાય તેમ છે, જયારે મીનાના નામ આગળ ડોકટર લગાડવાને થોડી વાર છે, જોકે તેનું પીએચ.ડી. પુરું થઈ ગયું છે. પીએચ.ડી. કરવું એ નવી વાત નથી પણ બે મહિલાઓ બે સૌથી ખૂંખાર પ્રાણીઓ સિંહ અને વાઘ પર સંશોધન કરી ડોકટરેટની ડિગ્રી સુધી પહોંચે ત્યારે ચોક્કસ નવાઈ ઉપજે! એક પછી એકની વાત કરીએ...
મીના: સિંહથી હાથવેંત દૂર
મીના મૂળ ઉત્તરાખંડની છે, પણ તેને ગુજરાતના સિંહોમાં પહેલેથી રસ હતો, એટલે તેણે નકકી કર્યું, સિંહ પર સંશોધન કરવાનું. પણ આવા કથોરા વિષય પર સંશોધન? જવાબ આપતાં મીના કહે છે, ‘મને પહેલેથી સિંહોનું આકર્ષણ હતું. વારંવાર આફ્રિકાના સિંહો ટીવી પર જોતી હતી, એટલે પહેલેથી જ જંગલમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું હતું. બસ, પછી તો જયારે કારકિર્દીનો વળાંક આવ્યો ત્યારે મેં ગીર તરફનો રસ્તો પસંદ કર્યો.
દહેરાદૂન સ્થિત ‘વાઈલ્ડ લાઈફ ઇન્સ્ટિટયુટ ઓફ ઇન્ડિયા’માં જોડાઈ. ત્યાં (એશિયાટિક લાયનના ખ્યાતનામ અભ્યાસી) ડો. રવિ ચેલમ પાસેથી માગદર્શન મેળવ્યું. આખરે ૩ વર્ષના ઇંતેજાર બાદ મને સ્વપ્ન પૂરું કરવાની તક મળી અને ૨૦૦૩માં મે પીએચ.ડી. શરૂ કર્યું. મારા પીએચ.ડી. સલાહકાર વાય.વી. ઝાલા હતા.’
મીનાએ નર સિંહોની વર્તણૂંક પર અભ્યાસ કર્યોછે. તેનો વિષય હતો, ‘રિપ્રોડકિટવ સ્ટ્રેટેજી એન્ડ બિહેવ્યર ઓફ મેલ એશિયાટિક લાયન્સ.’ ૨૦૦૮માં તેનું સંશોધન પૂરું થઈ ગયું છે. જોકે હજુ તેની મૌખિક ટેસ્ટ (વાઈવા) બાકી હોવાથી તેને ડોકટરેટની ડિગ્રી મળી નથી. એ કાર્યવાહી પતે એટલે તેના નામ આગળ પણ ડો. લગાવી શકાશે. સત્તાવાર ડિગ્રી ન મળી હોવાને કારણે હાલ મીના સંશોધન વિશે વધુ વિગતો આપી શકે નહીં.
એક યુવતી તરીકે તને મુશ્કલીઓ ન નડી? એવા સવાલના જવાબમાં મીના કહે છે, ‘મુશ્કેલીઓ તો ઘણી હતી. શરૂઆત ઘરથી જ થઈ. સંશોધન માટે ગીરના જંગલમાં સિંહો વરચે રહેવું પડે એ મારા ઘર માટે સૌથી મોટી સમસ્યા હતી. પણ મેં બધાને મનાવ્યા. હવે આજે મારા પપ્પા મારા પર ગર્વ લઈ શકે છે, તે મારા માટે આનંદની વાત છે.’ મીના પોતાના કામ માટે પાંચ વર્ષ ઘરથી દૂર જંગલમાં રખડી છે. તેને ગીરમાં સતત સિંહ સહિતનાં હિંસક પ્રાણીઓ વરચે રહેવું પડયું છે. સિંહ ફરે એટલે મીનાએ પણ તેની પાછળ પાછળ ફરવાનું.
રોજનું તેણે જીપ દ્વારા અને જયાં જીપ ન જઈ શકે ત્યાં ચાલીને ૭૦થી ૧૦૦ કિલોમીટર જંગલ ખૂંધું છે! તો ત્યાં શું શું સમસ્યાઓ નડી? મીના કહે છે, ‘જયાં સંશોધન કરવા જવાનું હતું એ સ્થળ મારા માટે નવું હતું. ત્યાનું કલ્ચર, ભાષા, રિવાજો વગેરે મારા માટે નવાં હતાં. એ બધાથી મુશ્કેલ હતું સિંહોના પગલે પગલે વનભ્રમણ કરવાનું. ત્યાં કંઈ દર વખતે તો મારી સાથે બધો કાફલો હોય નહીં! વળી કયાંક સિંહ પરિવાર શાંતિથી બેઠો હોય તો તેનું અવલોકન કરવા માટે મારે પણ ત્યાં બેસી રહેવું પડે. એ સમયે સિંહોને ખલેલ ન પહોંચે એ માટે હું એકલી હોઉ એ જ હિતાવહ હતું. એ રીતે એકલા સિંહથી ૩૦-૪૦ ફીટ દૂર બેસવું ચેલેન્જિંગ હતું.’
મીનાને આનંદ એ વાતનો છે, કે જયાં જયાં તે ગીરમાં ફરી અને અજાણ્યાં ગામ કે નેસમાં ગઈ, ત્યાં બધાએ તેને પ્રેમથી આવકારી. કયાંય તેને કોઈના ખરાબ વર્તન કે અસહકારનો સામનો કરવો પડયો નથી, કે નથી કયાંય અસહકારનો અનુભવ થયો. ઘણી વખત એવું બન્યું કે સિંહ એકદમ તેની નજીક આવી ગયા હોય પણ કયારેય તેના પર હુમલો કે ઈજા થઈ હોવાની સ્થિતિ ઊભી થઈ નથી. હાલ મીના વાઈલ્ડ લાઈફ ઇન્સ્ટિટયુટમાં જ બીજા એક પ્રોજેકટ સાથે જોડાયેલી છે અને ત્યાં જ કામ કરે છે. સાથે સાથે ફરી કયારે ગીર આવવા મળે તેની રાહ પણ જુએ છે....
ડો. લતિકા રાણા: ધ ટાઇગર પ્રિન્સેસ
ડો. લતિકા નાથ રાણા દેશમાં વાઘ પર ડોકટરેટની ડિગ્રી મેળવનારાં પ્રથમ મહિલા છે. ૩૬ વર્ષિય લતિકામેડમે ઓકસફર્ડ યુનિવર્સિટીમાંથી વિશ્વવિખ્યાત વન સંરક્ષક પ્રોફેસર ડેવિડ મેકડોનાલ્ડના માગદર્શન હેઠળ ‘વાઘના સંરક્ષણ’ પર પીએચ.ડી. કર્યું છે. લતિકાનો ઇતિહાસ રજવાડી છે. લતિકાના દાદા સ્વાતંત્ર્ય સંગ્રામમાં સક્રિય હતા અને નેહરુ સાથે જેલમાં ગયા હતા. તેમના દાદી ઇન્દિરા ગાંધીના ખાસ બેહનપણી હતા.
લતિકાના પિતા ઇન્દિરા વડાં પ્રધાન હતાં ત્યારે તેમના સલાહકાર હતા. લતિકાના લગ્ન જેમની સાથે થયા છે, એ નંદા રાણા નેપાળના રાજવી પરિવારમાંથી છે. કાશ્મીરમાં તેમના દાદાને ખેતર હતું એટલે તે વારંવાર ત્યાં જતી. કાશ્મીરમાં આવેલું ‘દાચીગામ નેશનલ પાર્ક’ તેનું માનીતું જંગલ છે.
પોતાના જંગલ પ્રેમ વિશે વાત કરતાં તે કહે છે, ‘હું નાની હતી ત્યારે મારા બેડરૂમમાં વાઘના પોસ્ટર લાગેલાં હતાં. ત્યારથી મને વાઘ પ્રત્યે આકર્ષણ શરૂ થયું. દાચીગામ પણ ઘણી વખત જવાનું થતું. ત્યાં જોવા મળતાં કાળા રીંછ મને સૌથી વધુ ગમે છે. પર્યાવરણ પ્રત્યે પહેલેથી જ લગાવ હતો એટલે એન્વાયન્ર્મેન્ટલ સાયન્સમાં પોસ્ટ ગ્રેજયુકેશન કર્યું. દરમિયાન કાશ્મીરમાં હિંદુઓ સામે વધતી હિંસાથી કંટાળી તેઓ કાયમ માટે દિલ્હી શિફટ થયા.’
તેમના પતિ નંદા રાણા પણ ૨૦ વર્ષથી વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફી-શૂટિંગ સાથે જોડાયેલા છે. ‘ડિસ્કવરી’ અને ‘નેશનલ જિયોગ્રાફિક’ ચેનલ માટે તેણે સંખ્યાબંધ ડોકયુમેન્ટ્રી તૈયાર કરી છે. બન્નેએ ભેગાં મળીને કાન્હા નેશનલ પાર્કમાં વાઘ સંરક્ષણ માટે કામગીરી શરૂ કરી છે.
પોતાના અનુભવની વાત કરતા લતિકા કહે છે, ‘એક સ્ત્રી અને વાઘ પર સંશોધન! લોકોને આ કોમ્બિનેશન જરા અચરજભર્યું લાગતું હતું. કોઈ સ્ત્રી આખો દિવસ જંગલમાં ફરે અને સાંજે એ માટી-કાદવવાળાં વસ્ત્રો બદલી કોઈક પાર્ટીમાં જાય એ બધા માટે નવાઈની વાત હતી! જોકે સાત વર્ષની હતી ત્યારથી જ તેને ખબર હતી કે તેને શું કરવું છે. ૨૪ વર્ષની થઈ ત્યારે ૧૯૯૪માં સંશોધન હાથમાં લીધું. એ પહેલાં વાઈલ્ડ લાઈફ ઇન્સ્ટિટયુટ ઓફ ઇન્ડિયામાં પણ અભ્યાસ કર્યોછે. બાદમાં છ વર્ષ સુધી સંશોધન કરી પીએચ.ડી. પુરું કર્યું.’
તેના કામથી પ્રભાવિત થઈને ‘નેશનલ જિયોગ્રાફિક’ મેગેઝિને ડિસેમ્બર ૧૯૯૭માં કવર સ્ટોરી તૈયાર કરી હતી. બાદમાં ચેનલ માટે ડોકયુમેન્ટ્રી પણ બનાવી છે. જંગલમાં તો ડગલે ને પગલે રોમાંચક અનુભવ થાય. પોતાનો આવો જ એક રોમાંચક પ્લસ થિ્રલર અનુભવ વર્ણવતાં લતિકા કહે છે, ‘હું અને મારા પતિ વાઘ પર કામ કરી રહ્યાં હતાં.
એવામાં ખબર પડી કે સીતા નામની એક વાઘણે બરચાંને જન્મ આપ્યો છે. અમે ઊપડયા જંગલમાં અને સીતાને શોધી કાઢી. અમે તેની બોડથી થોડા દૂર ઉભા હતાં ત્યારે એ બરચાંને લઈને બહાર નીકળી અને અમારી પાસે આવી. અમે સીતાનાં એ બરચાં સાથે લગલગાટ ૧૧ કલાક બેસી રહ્યાં. એ સુખદ અનુભવ હતો.
એ રીતે બીજી વખત અમે જીપ લઈ જંગલમાં ચક્કર મારી રહ્યાં હતાં. ત્યાં વાઘણ સીતાનું એક બાળ લકવાગ્રસ્ત થઈ ગયું હતું. પાર્કમાંથી પસાર થતી વખતે રસ્તા પર મેં તેને એકલું જોયું. હું મારી જીપ તેની નજીક લઈ ગઈ. આમ તો એકલાં વાઘણના બરચા પાસે જવું ખતરનાક હોય, પણ બરચું દયનીય હાલતમાં હતું એટલે અમે જે થશે એ જોયું જશે એવું વિચારીને જીપ બરચાંની નજીક લીધી.
અમને જોઈ બરચાએ ચીસ પાડી અને અચાનક, ઝાડીમાંથી સીતા પ્રગટ થઈ. સીધી અથડાઈ અમારી જીપ સાથે. જીપના દરવાજામાં ગોબો પડી ગયો. એ ફરી વખત હુમલો કરવા તૈયાર થઈ ગઈ. તેને એમ થતું હતું કે અમે તેના લાડકવાયાને ખતરો પહોંચાડી રહ્યાં છીએ. વધુ વિચાર કર્યા વગર અમારે ભાગવું પડયું.’
લતિકાએ પોતાનાથી ૧૫ વર્ષ મોટા નંદા રાણા સાથે લગ્ન કયાô છે. તેણે મઘ્યપ્રદેશમાં આવેલા બાંધવગઢમાં પોતાનું કામ શરૂ કર્યું ત્યાં તેના પિતાના મિત્રનો એક કેમ્પ હતો. નંદા રાણા ત્યાં મેનેજરના રોલમાં હતાં. અમારા બન્નેમાં ઘણી સામ્યતા હતી અને બન્ને વરચે સારી સમજદારી હતી, એટલે અમે લગ્ન કરવાનું નક્કી કર્યું. ઘરમાંથી વિરોધ હતો પણ, તેણે તેનાં માતા-પિતાને મનાવી લીધાં.
પોતાના પતિ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘તેમનું સજીવો વિશેનું જ્ઞાન ચમત્કારિક છે. તેઓ યુવાન હતા ત્યારે શિકાર પણ કરતા. જોકે તેમણે કયારેય વાઘનો શિકાર નથી કર્યો. એ વખતે તેમના કાકાએ જંગલમાં તેમને વ્યવસ્થા ઊભી કરી દીધી અને જંગલમાં રહેવાની શરૂઆત થઈ. ’
જયારે ચોમાસામાં પાર્ક બંધ થઈ જાય ત્યારે પતિ-પત્ની બન્ને કાઠમંડુ ઉપડી જાય છે. હવે તેણે વાઘ સંરક્ષણનું કામ શરૂ કર્યું છે. લતિકાનું સંશોધન વાઘ સંરક્ષણ પર હતું. તેના આધારે તે કહે છે, ‘જો આપણે જંગલો કે વાઘ સહિતના જંગલી સજીવોને પૈસા સાથે નહીં જોડીએ તે તેને બચાવી શકાય નહીં.
નેશનલ પાર્કના વિકાસ માટે પૈસા જરૂરી છે અને પૈસા માટે પ્રવાસીઓ આવે તે જરૂરી છે. આ બાબતમાં આફ્રિકા પાસેથી શીખ લઈ શકાય. ત્યાં એટલા બધા પ્રવાસીઓ જંગલી સજીવો જોવા આવે છે, કે સરકાર વન્યજીવનને અવગણી શકે નહીં. આપણે ત્યાં પણ એવું કરી શકાય. પ્રવાસીઓ વધશે તો સરકાર વધુ જાગૃત બનશે.’
Source: http://www.divyabhaskar.co.in/2009/04/22/0904221257_phd_on_lion_and_tiger_by_two_women.html
No comments:
Post a Comment